કર્મ યોગ

કર્મ યોગ 

પેહલાતો યોગ શબ્દ નો અર્થ સમજીએ. યોગ શબ્દ મૂળભૂત સંસ્કૃત શબ્દ "યુજ" પરથી આવેલો છે, જેનો સામાન્ય ભાષામાં અર્થ થાય છે 'ની સાથે જોડાવું'. યોગનો અર્થ થાય છે ભગવાન સાથે એકાકાર થવું. યોગનો અભ્યાસ એ ઈશ્વર સાથે એકાકાર થવાનો એક માર્ગ છે. 

'ક્રિ' એ મૂળભૂત સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે "કાર્ય કરવું". શારીરિક, મન અને માનોવૈજ્ઞાનિક ધોરણે જે પણ કરવામાં આવે (વિચારવામાં પણ આવે) એનો સમાવિષ્ટ પણ કર્મમાં થઇ જતો હોય છે.

એમ કહી શકાય કે કર્મ યોગ એટલે પોતાના કર્મો થકીજ ઈશ્વર પ્રાપ્તિ (મોક્ષ) કરવાનો એક માર્ગ (જો તમે અદ્વૈતવાદી હોવ તો 'સ્વ' ને જાણવાંનો એક માર્ગ). જો એને સાદાઈ થી સમજવું હોય તો આપણા કર્મ થકીજ કાયમી શાંતિ મેળવવાનો એક આધ્યાત્મિક માર્ગ એટલે કર્મ યોગ. 

કર્મ ચાર રીતે ઉપાર્જિત થાય છે:

૧. વિચારો થકી 

૨. સાચા વલણ વાળા શબ્દો થકી 

૩. આપણે જે પણ કઈ કામ કરીએ એ થકી

૪. આપણી સૂચનાઓ પ્રમાણે બીજા જે કામ કરે એના થકી 

કર્મ યોગ એટલે મોક્ષ મેળવવાની એક વિદ્યા શાખા (પદ્ધતિ). સનાતન ધર્મમાં જે ચાર આધ્યાત્મિક માર્ગ છે, એમનો આ એક માર્ગ છે. બીજા માર્ગોના નામ આ મુજબ છે: જ્ઞાન યોગ, રાજ યોગ (બ્રમ્હા કુમારી દ્વારા શીખવવામાં આવતી ધ્યાન પદ્ધતિ), અને ભક્તિ યોગ. આ ચારેય માર્ગ મોક્ષની તરફ લઇ જવા સક્ષમ છે. જોકે એવું નથી કે કોઈ એક સમયે તમે આમાંનો એકજ માર્ગ અપનાવી તમારી આધ્યાતમિકતાને પ્રાપ્ત કરી શકો છો. સામાન્યતઃ જ્ઞાન, ભક્તિ અને કર્મ માર્ગ માંથી દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ મુજબ એક અથવા એક થી વધુ માર્ગની પસંદગી કરતા હોય છે. 

કર્મ એટલે તમે કરેલા બધાજ કાર્યોનો કુલ સરવાળો, જેમાં ભૂતકાળ અને વર્તમાનકાળના કર્મો અને ભવિષ્યની અસ્તિત્વ ની સ્થિતિ નો પણ સમાવિષ્ટ થાય છે. હિન્દૂ અને બૌદ્ધ તત્વજ્ઞાનીઓએ કર્મને ખુબ જ મહત્વ આપેલું છે. પોતાના ધર્મ (એથિક્સ) પ્રમાણે, ફળની આશા રાખ્યા વગર કાર્યને પૂર્ણ કુશળતા પૂર્વક કરવું, પોતાની ફરજ પોતાની ૧૦૦% ક્ષમતા મુજબ બજાવવી. 

યોગ મુજબ આનો અર્થ થાય છે બીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરવી અથવા પોતાનું કાર્ય કરવા પર જ પૂર્ણ ધ્યાન આપવું. ભગવદ ગીતા મુજબ આ માર્ગ મનને શુદ્ધ કરનારો છે. 

કર્મ યોગની પ્રથમ વાર છણાવટ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરાઈ હતી. દુઃખ દૂર કરી મોક્ષ પ્રાપ્ત કરવાના ઘણા દિવ્ય રસ્તાની છણાવટ ભગવદ ગીતાએ કરીએ છે. પણ કર્મ યોગ એમાંથી સૌથી વ્યવહારિક છે એવું પણ ઘણા લોકો માને છે. 

કર્મ યોગ એટલે એવી મનોસ્થિતિ જેમાં વ્યક્તિ સતત એવું માને છે કે પોતે જે કઈ કરે છે એ ભગવાનની દિવ્ય યોજનાના ભાગ રૂપે કરે છે. 

ગીતાજીના દ્વિતીય અધ્યાયના ૪૭ માં શ્લોક માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે,

 "कर्मण्ये वाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्म फलहेतुर्भूमा ते संगोऽस्त्वकर्मणि ।।"

આનો અર્થ થાય છે, "તારો અધિકાર માત્ર કર્મ કરવાનો જ છે, એના ફાળો પાર ક્યારેય નહિ. તેથી કરીને તું કર્મો ના ફળ નો હેતુ ન બન. તથા કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન હોવી જોઈએ."

તો અહીં વાત થઇ રહી છે નિષ્કામ કર્મની. નિષ્કામ કર્મ ને સમજવા પ્રથમ સકામ કર્મ ને સમજીએ. સકામ કર્મ એટલે એવું કર્મ જેમાં તમને કોઈ વળતર ની આશા હોય. એવું વળતર, જે તમને લૌકિક લાભ કરાવી આપે. આપણે જે કર્મો કરીએ છીએ એમાં મોટા ભાગના સકામ કર્મો જ છે. નોકરી કરીએ, પૈસા માટે. મદદ કરીએ, સામે મદદ મળે એ માટે, અથવા કોઈ આપણને મોટો માણસ સમજે એ માટે વગેરે. 

નિષ્કામ કર્મ એટલે ફળની આશા રાખ્યા વગર કામ કરવું, કોઈ સ્વાર્થ વગર કામ કરવું, કોઈ વળતર વગર કામ કરવું. નરસિંહ મેહતા કહે છે ને કે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. નેકી કર દરિયા મેં ડાલ જેવી વાત થઇ. ટૂંકમાં કઈ પણ વળતર મેળવવાની ઈચ્છા વગર બીજાની સેવા કરવી એને નિષ્કામ કર્મ કહીશું. 

આ વાત ને હવે થોડી આગળ વધારીએ. કર્મ અને એનું ફળ બંને ભગવાન ને અર્પણ કરવું એટલે કર્મ યોગ. દરેક સકામ કર્મને પણ સંપૂર્ણ નિષ્કામ ભાવથી કરવું એટલે જ કર્મ યોગ. સારા ખરાબ ની પરિભાષાની ઉપરવટ જઈને માત્ર પોતાનો ધર્મનું પાલન કરવું એટલે કર્મ યોગ. અર્જુન એક ક્ષત્રિય હતો એટલે લડવું એ જ એનો ધર્મ હતો. અર્જુનને એટલા માટે નથી લાડવાંનું કે યુદ્ધ જીતી જવાય. જીત અને હાર તો ભગવાન કૃષ્ણના જ હાથમાં છે. પરંતુ ક્ષત્રિય ધર્મથી કોઈ પણ જાતના ફળની અપેક્ષા રાખ્યા વગર માત્ર પોતાના ધર્મ ને અનુસરવા લડવું એ જ નિષ્કામ કર્મ. 

કર્મ એટલે કરેલું કાર્ય અને એનું ફળ બંને. આપણી વર્તમાન સ્થીથી એ આપણા પાછળ કર્મનોનું જ પ્રતિબિંબ છે, એમાં સારા અને ખરાબ, બંને કર્મોનું પ્રતિબિંબ આવી જાય છે. કર્મ યોગ દ્વારા કારણ અને એના પરિણામોની સાંકળ ને આપણે તોડી શકીએ છીએ, જે આપણે, આપણા કર્મો થકી જ ઉભી કરેલી છે. એ લોઢું લોઢાને કાપે એવી વાત છે. કર્મ યોગની તલવાર થી આપણે આ સાંકળ ને હંમેશા માટે તોડી નાખી શકીએ છીએ. આ માટે આપણે આપણા કર્મોના ફળ ને કોઈ પણ ભગવાન (કે જેમાં તમારી શ્રદ્ધા હોય) એને અર્પણ કરી શકો છો અથવા જો તમે અદ્વૈત વાદી છો તો 'સ્વ'  રૂપી બ્રહ્મને પણ અર્પણ કરી શકો છો. આવું કરવાથી વારંવાર પુનરાવર્તન પામતી આ ઘટમાળ નો અંત આવશે. 

આપણને ભલે ખબર નથી હોતી, પણ આપણે સતત કર્મ કર્યા જ કરીએ છીએ. માત્ર બેસી રહેવું અને વિચારવું એ પણ કર્મો ના જ ઉદાહરણો છે. નોકરીમાં આપણે બઢતી માટે કામ કરીએ છીએ, અથવા બીજા આપણી વાહવાહી કરે એટલે કામ કરીએ છીએ. આપણે બગીચાને સુંદર રીતે શણગારીએ છીએ જેથી કરીને આપ પાડોશીઓ એના વખાણ કરે. આપણે શાળામાં સારી નોકરી માટે તનતોડ મેહનત કરીએ છીએ. આપણે સારી રસોઈ બનાવીએ છીએ જેથી ઘણા લોકો એના વખાણ કરે. આપણા મોટા ભાગના કાર્યો ભવિષ્યલક્ષી હોય છે અને આપણને એની ખબર સુદ્ધા નથી હોતી. 

પરંતુ કામ કરવાની આ પદ્ધતિ લાંબા ગાળે દુઃખ જ આપશે. એવું એટલા માટે થશે કે આપણી ઈચ્છાઓ અનંત છે. આનાથી આપણું દુઃખ વધશે જ કેમકે આપણે આ જીવન પદ્ધતિ દ્વારા પોતાના અભિમાનને પોષવાનો સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. કર્મની સાંકળ તોડવાને બદલે આપણે નવી સાંકળોથી બંધાઈ જતા જઈએ છીએ . 

કર્મ યોગ એ જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ કે રાજ યોગને પાલન કરનારને પણ ફાયદો કરી શકે છે. કર્મ યોગ એ બીજી પદ્ધતિઓ સાથે સારી રીતે મળીને કામ કરી શકે છે. દા.ત. ધ્યાન કરનારો પણ વિચારની સાંકળોથી બંધાઈ જય શકે છે. અને વિચારવું પણ એક કર્મ જ છે જેની વાત આપણે પેહલા કરી લીધી છે. 

તમે ભગવાનને પૂજા કરીને ફળ અને ફૂલ અર્પણ કરો છો, તે જ રીતે, તમે તમારા વિચારો, કર્મો અને કર્મોના ફળને પણ ભગવાનને અર્પણ કરી શકો છો. જીવ માત્ર માં ઈશ્વર નો વાસ જાણીને દરેક જીવની સેવા કરવી એટલે જ જાણે ઈશ્વની સેવા કરવી. ઈસુ ખ્રિસ્તના એક વિચારને અનુવાદીત કરીએ તો એમને કહેલું કે જે આપણે આપણા ભાઈ અને બહેન માટે ઓછામાં ઓછું પણ જો કઈ કરીએ એ આપણે ભગવાન માટે કર્યા બરાબર છે. 

કર્મ યોગ એટલે તમારા કામ પ્રત્યેનું તમારું જે વલણ છે એની પર ધ્યાન કેન્દ્રિત કરવું, નહી કે તમારા કામ પાર. હું બીજાને મદદ કરું છું તો એ મદદ પાર ધ્યાન ના હોવું જોઈએ. સામેનાની જરૂરિયાત પુરી કરવાના પ્રયત્ન પાર ધ્યાન હોવું જોઈએ અને બદલામાં તમને "આભાર" મળશે એની પર તો બિલકુલજ ધ્યાન ન હોવું જોઈએ. 

તમે તમારું કામ કરતા કરતા મનમાં કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ કર્યા કરશો તો એ પણ ઍક નિષ્કામ કર્મ જ બની જશે. 

કર્મોના પ્રકાર: (વેદાંત દર્શન મુજબ)

૧. સંચિત કર્મ: પૂર્વ જન્મના કર્મો ને સંચિત કર્મો કહેવામાં આવે છે. એમનું તો ફળ ભોગવ્યે જ છૂટકો. અહીં તમે ભુતકાળ માં કરેલા દરેકે દરેક કર્મને ગણી લેવામાં આવશે. આવા કર્મો નું ફળ ભોગવવા ઍક જન્મારો પણ ઓછો પડે છે. 

૨. પ્રારબ્ધ કર્મ: તમે જે ભૂતકાળના કર્મોનું હાલ ફળ ભોગવી રહ્યા છો એને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે. આના વધુ બે ઉપ-પ્રકાર પણ છે: સંચિત પ્રારબ્ધ જે પૂર્વ જન્મના કર્મોનું ફળ છે અને ક્રિયામાંન પ્રારબ્ધ જે આ જન્મોના કર્મો નું ફળ છે. 

૩. ક્રિયામાંન કર્મ: જે કર્મો આપણે આગામી જીવન માં કરીશું એ. આ કર્મોની તો આપણે શરૂઆત પણ નથી કરી અને આમનું ફળ આપણને ભવિષ્યમાં પ્રાપ્ત થશે. આ ઍક એવા પ્રકારનું કર્મ છે જે સંપૂર્ણ પાને આપણા હાથમાં છે. એને સુધારવું કે બગાડવું એ પણ આપણા હાથમાં છે. ક્રિયામાં કર્મો જ સંચિત કર્મોનું રૂપ ધારણ કરે છે અને ભવિષ્યના ફળ પ્રદાન કરે છે. માત્ર માનવ જન્મ માંજ આપણે કર્મ કરી શકીએ છીએ. નવા કર્મો કરવા નવો માનવ જન્મ ધારણ કરવો પડે છે. 

ગીતાજી પ્રમાણે કર્મોના પ્રકાર:

૧. કર્મ: શાસ્ત્રો અને વેદોને અનુકૂળ કાર્યો 

૨.અકર્મ: કર્મનો અભાવ એટલે અકર્મ. એવું કર્મ જે અકર્મ છે. માત્ર જ્ઞાની આત્માઓ જ આવું કર્મ કરી શકે છે. જ્ઞાન ની દ્રષ્ટિએ એવી સમજણ કે તમે ઍક શરીર નથી પણ બ્રહ્મ છો. શરીર જે કઈ કરે છે એ તમે નથી કરી રહ્યા. તમે કર્મમાં અકર્મ અને અકર્મ માં કર્મ જોઈ શકો છો. જે કર્મ માં "હું" કરું છું એની ભાવના નથી એ અકર્મ. નીચેની પંક્તિઓ કદાચ આ વાત નો યોગ્ય અર્થ સમજાવે છે: 

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે.

-નરસિંહ મેહતા

૩. વિકર્મ: પાપ રૂપી કર્મ જે શાસ્ત્રોક્ત નથી. અનૈતિક કામો એનું ઍક લૌકિક ઉદાહરણ હોઈ શકે.

ટૂંકમાં, કર્મ યોગ ઍક ખુબ ભારે અને ખુબ ઊંડો વિષય છે. અહીં એની માત્ર પરિચય આપવા પૂરતી છણાવટ કરી છે. કર્મ યોગ સમજવા ગીતાજીનો ત્રીજો અધ્યાય વાંચવો રહ્યો. અને એ શિવાય પણ વેદાંત, જૈન, બૌદ્ધ અને અન્ય ઘણા દર્શનોમાં પણ કર્મની છણાવટ કરવામાં આવી છે જે ગીતાજીની કર્મ યોગ ની છણાવટથી થોડી અલગ પડે છે (જોકે મૂળભૂત અર્થ માં બહુ જાજુ અંતર નથી).

કર્મ યોગ પાર ભવિષ્યના લેખમાં બે વિષયો પાર વાત કરીશું: ગીતાજીમાં આપેલા કર્મ યોગની વધારે ઊંડાણ પૂર્વક છણાવટ અને અન્ય દર્શનોમાં કર્મયોગ ની છણાવટ - ખાસ કરીને બુદ્ધ અને જૈન દર્શન. 

પ્રતિભાવ આપવા pvariya@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો.

જય સિયા રામ 


Popular posts from this blog

The Bravest Warrior of War of The Mahabharata "Baliyadev"

An Organizational Behaviour Case Study

A visit to Blind People's Association and Centre for Environment Education, Ahmedabad