જ્ઞાન યોગ

।।જય શ્રી રામ ।।

જ્ઞાન યોગ

જ્ઞાન યોગ એટલે બૌદ્ધિક દ્રષ્ટિએ કૈક શીખવું એવો શાબ્દિક અર્થ વાળો યોગ નહિ. અહીં જ્ઞાન એટલે બ્રહ્મ (બ્રમ્હા, વિષ્ણુ, મહેશ વાળા બ્રમ્હા નહિ - બ્રહ્મ એટલે મૂળ વાસ્તવિકતા અથવા રૂપ, ગૂણ અને રૂપ રહિત ઈશ્વર નું સ્વરૂપ જેની સારી એવી વાત જગદ ગુરુ આદિ શંકરાચાર્યજી એ કરી હતી - જેને ટૂંકમાં આપણે અંતિમ વાસ્તવિકતા સ્વરૂપે વ્યાખ્યાયિત કરીશું), આત્મા અને તેમના સંબંધ / એકતા ની વાત સમજવાનો પ્રયત્ન (દા.ત.એ બંને કેવી રીતે અલગ જણાવા છતાં એક જ છે). 

જ્ઞાન યોગ એટલે "હું કોણ છું?" અને "હું શું છું?" જેવા પ્રશ્નોનો જવાબ ગોતવો. ભક્તિ હૃદયથી થાય છે. ભક્તિ પ્રેમ થકી થાય છે. જયારે જ્ઞાન માર્ગી તર્ક, બુદ્ધિ અને જ્ઞાન નો ઉપયોગ કરી શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક, શું કાયમી છે અને શું સતત બદલાઈ રહ્યું છે , જેવા વિષયો પાર્ક ચિંતન કરે છે. 

જ્ઞાન માર્ગીઓ સામાન્યતઃ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને વરેલા હોય છે. એમના માટે માત્ર બ્રહ્મ જ એક અંતિમ વાસ્તવિકતા હોય છે અને જગત મિથ્યા હોય છે. ભક્તિ માર્ગે ચાલનારા લોકો ભગવાન અને પોતાને  અલગ અલગ માને છે. એમના માટે ભગવાન સાથેનો એમનો સંબંદ દિવ્ય આનંદ આપનારો હોય છે. જ્ઞાનીજન આવી દ્વૈત વિચારધારાને અવિદ્યા તરીકે જુએ છે. તેમના મતે દિવ્યતા આપણી અંદરજ છુપાયેલી છે. એને ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી. 

એવું તો શું છે જે આપણને આપણી મૂળભૂળ વાસ્તવિકતા અને આસપાસ ની દુનિયાની વાસ્તવિકતા જાણતા રોકે છે? એ છે માયાનો પડદો. જ્ઞાન યોગ એટલે એ પડદાને ફાડી નાખવો. આના મતે બે આયામી અભિગમ કામ કરશે.

૧. અવાસ્તવિક જગત: આ અભિગમ દેખીતી રીતે નકારાત્મકતાથી શરુ થાય છે જ્યાં બ્રહ્મ ને વ્યાખ્યાયિત કરવા 'નેતિ નેતિ' (આ નહિ, આ નહિ) જેવા શબ્દો નો પ્રયોગ થાય છે. અહીં જે પણ અવાસ્તવિક છે, જે પોતાનામાંજ પૂર્ણ નથી, જે બદલાયા રાખે છે, એવું બધુજ અસ્વીકાર્ય છે. બીજો ભાગ હકારાત્મક છે. જે પણ પોતાનામાંજ પૂર્ણ છે, વાસ્તવિક છે અને કાયમી છે, એનો સ્વીકાર કરવામાં આવે છે. 

જગત અને એની આપણી ધારણા એ માત્ર શરતી (કન્ડિશનલ) વાસ્તવિકતા છે, અંતિમ કે પૂર્ણ નહિ. ક્યારેક આપણને દોરડું પણ સાપ લાગે છે. એ જ રીતે દોરડા રૂપી બ્રહ્મ આપણને સાપ રૂપે દેખાય છે. આવુ જ કૈક આપણી જગત વિશેની ધારણા વિષે કહી શકાય. એક સાપ ને સાપ ની જેમ જોવો એ પણ શરતી વાસ્તવિકતા છે. આપણે જયારે આપણી ધારણાને આધારે (અને અંતિમ વાસ્તવિકતાના આધારે નહિ) પ્રતિક્રિયા આપીએ છીએ ત્યારે આપણા હૃદયના ધબકારો વધી જતા હોય છે. જયારે આપણે આ ધારણાથી ઉપરથી ઉઠીને ખરેખર "સાપ" શું છે એ વાસ્તવિકતાને સમજી જઈએ છીએ, ત્યારે આપણને આપણી ભ્રમણા પર હસવું આવશે. 

એ જ રીતે આપણે આપણી ઇન્દ્રિયો થકી, મન થકી, બુદ્ધિ થકી જે કઈ પણ ગ્રહણ કરીએ છીએ, તે આપણા શરીર અને મનની પ્રકૃતિ પ્રમાણે જ સીમિત હોય છે. બ્રહ્મ અનંત છે. એને કોઈ પણ સીમિત દ્રષ્ટિકોણથી સમજી ન જ શકાય. તેથી આ જગત જે સમય, આકાશ અને કારણો અને એના પરિણામો મુજબ બદલાતું રહે છે, એ કેવી રીતે અસીમિત, સર્વવ્યાપક બ્રહ્મ હોઈ શકે? આપણું મન એ દરેક પરિસ્થિતિ થી ઘેરાયેલું રહે છે. જે મન અને બુદ્ધિ પ્રમાણે સમજાય છે તે બ્રહ્મ ન જ હોઈ શકે. બ્રહ્મ એ સામાન્ય મગજની સમજની પરે હોય છે. એટલે જ તો ઉપનિષદો કહે છે કે બ્રહ્મ એ "વાણી અને મનની પરે છે."

અને છતાં પણ જે આપણી સમજણ પ્રમાણે છે તે જ બ્રહ્મ છે. બ્રહ્મ સર્વવ્યાપક, અનંત અને અવિનાશી છે. બે અનંત હોવા શક્ય નથી. જે આપણે હંમેશા જોઈએ છીએ તે બ્રહ્મ જ છે. એમાં રહેલી કોઈ પણ મર્યાદા એ આપણી અપૂર્ણ અથવા ગેરસમજ નું પરિણામ છે. જ્ઞાની લોકો હઠ પૂર્વક અથવા બળ પૂર્વક આ ગેરસમજને દૂર કરે છે જે એક (દેખીતી રીતે) વાસ્તવિકતા અને અવાસ્તવીક્તા વચ્ચે ભેદભાવ કરવાની નકારાત્મક પ્રક્રિયા હોય છે જે સ્વ ને જાણવાની હકારાત્મક અભિગમવળી પ્રક્રિયા થકી શક્ય બને છે. 

૨. વાસ્તવિક "સ્વ" (હું): અહીં આપણે પોતે કોણ છીએ એની સતત આત્મપૃષ્ટિ કરીએ છીએ. આપણે કોઈ નાનું એવું સામાન્ય શરીર નથી. અપને આપણા મન પૂરતા સીમિત નથી. આપણે તો આત્મા છીએ. આપણે અજન્મા છીએ, અને કોઈ દિવસ આપણું મૃત્યુ થવું શક્ય નથી. આપણે શુદ્ધ, સંપૂર્ણ, શાસ્વત, અને મુક્ત છીએ. આપણા અસ્તિત્વનું આ જ પૂર્ણ સત્ય છે.

વાસ્તવિક સ્વ ની પાછળનું દર્શન ખુબજ સરળ છે: જે તમે વિચારો છો, તમે તે જ બની જાઓ છો. હજારો જન્મથી આપણે આપણી જાત વિષે એવુજ વિચારતા આવ્યા છીએ કે આપણે અપૂર્ણ, નાના અને નબળા છીએ. આના જેવું જુઠાણું તો બીજું શું હોઈ શકે! આ વિચાર જ એક જેર સમાન છે. જો આપણે આપણી જાતને નબળા માણીશું તો એ જ પ્રમાણે કાર્ય કરીશું. જો આપણે આપણી જાતને ગરીબડા અને પાપી માનીશું, તો આપણે ચોક્કસ એ જ પ્રમાણે વર્તીશું અને અંતમાં એવા જ થઇ જઈશું. જેવું અષ્ટવક્ર સંહિતા, જે અદ્વૈતવાદ નું ખુબ જાણીતું પુસ્તક કહે છે, "હું ડાઘ રહિત છું, શાંત છું, શુદ્ધ ચેતના છું, અને પ્રકૃતિ ની પણ પરે છું. બસ આ બધો સમય હું માત્ર માયા દ્વારા છેતરાયેલો હતો".

જ્ઞાન યોગ એ આપણા મગજ ની શક્તિઓનો બહુધા ઉપયોગ કરે છે અને એનાથી જે પ્રક્રિયાઓ આપણને છેતરે છે એનો અંત કરે છે. તે આપણને શીખવે છે કે આપણે હંમેશા મુક્ત, સંપૂર્ણ,અનંત અને શાસ્વત હતા અને કાયમ રહીશું જ. અને આ સમજણ આપણને બીજામાં પણ એ જ દિવ્યતા, પૂર્ણતા અને શુદ્ધતાના દર્શન કરાવશે.દુઃખ  દાયક બંધનો જેવા કે "હું" અને "મારુ" નો અંત આવશે. અપને બધે જ અને બધામાં બ્રહ્મને જોઈ શકીશું. 

જ્ઞાન યોગ એ ખુબજ અઘરો માર્ગ છે. ભક્તિ યોગ સૌથી સરળ છે. જયારે કર્મ યોગ સૌથી વધુ વ્યવહારુ છે. 

આ લેખ ને ગીતાજી ના એક શ્લોક સાથે પૂર્ણ કરીએ:

न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते।

तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति।।૪.૩૮।।

અનુવાદ:

આ મનુષ્ય લોક માં જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ સાધન નથી. 

જેનો યોગ સારી રીતે સિદ્ધ થઇ ગયો છે, એ (કર્મયોગી) એ તત્વજ્ઞાન ને અવશ્ય રીતે 

સ્વયં પોતાની મેળેજ પ્રાપ્ત કરી લે છે. 

જ્ઞાન યોગ વિષે વધારે જાણવા ગીતાજીના ચોથા અધ્યાય નો અભ્યાસ કરવો રહ્યો.

જય શ્રી રામ 

Popular posts from this blog

The Bravest Warrior of War of The Mahabharata "Baliyadev"

An Organizational Behaviour Case Study

A visit to Blind People's Association and Centre for Environment Education, Ahmedabad