રાજ યોગ ભાગ ૧ (ટૂંક પરિચય)
|જય શ્રી રામ|
|જય માં ખોડિયાર|
રાજ યોગ ભાગ ૧ (ટૂંક પરિચય)
[અ] પ્રસ્તાવના: આપણી મૂળભૂત સમજણ એવી છે કે યોગ ના મુખ્ય ત્રણ પ્રકાર છે - ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મ યોગ, જે ત્રણેય ની આપણે અગાઉ વિગત વાર ચર્ચા કરી છે (જોકે તમારે આ અંગે પૂર્ણ રીતે જાણવું હોય તો સર્વપ્રથમ ગીતાજી નો અભ્યાસ કરવો જ પડે). પરંતુ જેમ જેમ મેં (વું એમ આઈ?) થોડો ઘણો અભ્યાસ કર્યો, તેમ તેમ થોડું ઘણું અવનવું જાણવા મળતું રહે છે.
હાલ મને એવું જાણવા મળ્યું કે (હું ખોટો હોઈ શકું છું. વાચકોને ખાસ વિનંતી છે કે કોઈ પણ ભૂલ લાગે તો મને ચોક્કસ માહિતી આપશો. હું આપનો જાહેરમાં ઋણ સ્વીકાર કરી, મારી ભૂલ સુધારી લઈશ - જો તમે કાઢેલી ભૂલ ખરેખર ભૂલ હોય તો જ) યોગ ના અલગ અલગ છ પ્રકાર છે (માત્ર ત્રણ નહિ), જે નીચે મુજબ છે:
૧. ભક્તિ યોગ
૨. કર્મ યોગ
૩. જ્ઞાન યોગ
૪. રાજ યોગ
૫. તંત્ર યોગ
૬. હઠ યોગ
મને યાદ છે કે મારા કુળદેવી ખોડિયાર માતાના પિતાએ હઠયોગ થકીજ ભગવાન શંકર ને પ્રસન્ન કરેલા અને માતા ખોડિયાર આ લૌકિક વિશ્વમાં પ્રગટ થયેલા.
તેથી મને પ્રેરણા મળી કે દર્શન (ફિલસૂફી) પર લખવા માટે થોડા નવા વિષયો મળી ગયા છે.
આજે આપણે રાજયોગ ની ચર્ચા કરીશું. અને પછીના લેખોમાં તંત્ર યોગ અને હઠ યોગ ની ચર્ચા કરીશું.
[બ] રાજયોગ: 'યથા રાજા તથા પ્રજા!" રાજ યોગ એટલે યોગોનો રાજા! એવું ઘણા લેખકો કહે છે કે રાજયોગ એ બધા યોગનો મુગટ છે. એનાથી ઉપર બીજો કોઈ યોગ નથી. આ યોગનો માર્ગ ચિંતનશીલ છે, ચિંતાશીલ નહિ. અહીં આપણી બુદ્ધિ અને વિચારો પર ધ્યાન થકી નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. ભગવાન અથવા આપણી ચેતના સાથે જોડાણ કરવું એટલે રાજયોગ, જે અભિમાન યુક્ત 'હું' ની ઓળખથી ઉપર ઉઠીને સાર્વત્રિક અને સત્ય 'હું' ની ઓળખાણ થકી શક્ય બનશે. ભક્તિયોગ કરતા બિલકુલ અલગ (સારો અથવા ખરાબ એવી ચર્ચામાં પડવું નથી) રાજયોગમાં બહારના સ્તર પર આધ્યાત્મિક અભિવ્યક્તિ ખુબ ઓછી હોય છે. અને એથી જ અહીં સ્વયં શિસ્ત નું ખુબજ મહત્વ છે.
મન અને શરીર પર નિયંત્રણ એ રાજયોગના મુખ્ય ધ્યેયો કહી શકાય. રાજયોગ એટલે શાંતિપૂર્ણ અવસ્થામાં પહોંચી જવું. બહારની કોઈ પણ ઘટના એ અવસ્થાને બદલી ન શકે એવી સમાધિ અવસ્થા રાજયોગ થકી પ્રાપ્ત થઇ શકે છે. એના માટે યોગ અને ધ્યાનનો સતત અભ્યાસ જરૂરી છે.
રાજયોગ માં ત્રણેય પરિમાણોનો સમાવેશ થાય છે: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, જેથી રાજયોગને અપનાવનાર એક સંતુલિત અવસ્થામાં જીવન જીવી શકે છે અથવા એક સંતુલિત અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે, જે આ ત્રણેય સ્તરે કામ કરે છે.
રાજયોગ અંગે વાત કરીયે તો સ્વામી વિવેકાનંદનો આ પદ્ધતિ ને પ્રચલિત કરવામાં ફાળો ઘણો છે. જોકે રાજયોગ સામાન્યતઃ પરંપરાગત રીતે ધ્યાનને જ મુક્તિ મેળવવાનું મુખ્ય સાધન માને છે, આજકાલ ઘણી બધી પદ્ધતિઓ દ્વારા રાજયોગ માર્ગ લોકો દ્વારા ચાલવામાં આવે છે.
૧૯ મી સદીમાં સ્વામી વિવેકાનંદે એક પુસ્તક લખેલું જેનું નામ જ રાજ યોગ હતું. આ પુસ્તકની અંદર એમણે પતાંજલિના યોગ સૂત્ર સાથે એની તુલના કરેલી. ત્યારબાદ એવું જોવામાં આવ્યું છે કે રાજ યોગ અને પાતાંજલિનો અષ્ટાંગ માર્ગ એક બીજાના સમાનાર્થી તરીકે જ જોવામાં આવે છે અથવા બંને એક જ છે એવું એક બહુ મોટો વર્ગ માને છે.
અહીં એ સ્પષ્ટ કરી દઉં છું કે મને બ્રમ્હાકુમારીસ દ્વારા શીખવાતો રાજયોગ એ આજ રાજયોગ છે કે કેમ એ વિષે મને કશી જાણકારી નથી. એ અંગે હું બ્રમ્હાકુમારીસ ના મારા મિત્રો સાથે વાત કરી એક અલગ લેખ લખવાનો પ્રયત્ન કરીશ. બીજું કે હું અંગત જીવનમાં ભક્તિ યોગ અને જ્ઞાન યોગના મિશ્રણ વાળી પદ્ધતિથી મોક્ષના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરું છું જેમાં શ્રી તુલસીદાસ, જગદ ગુરુ આદિ શંકરાચાર્ય અને મહાત્મા બુધ મહદ અંશે મારા ગુરુ છે. પણ મને બ્રમ્હા કુમારીસ પર ખુભજ ગર્વ છે કે જેમણે કરોડો લોકોને શાંતિ અને મોક્ષ ના માર્ગ પર ચાલવાની અવિરત પ્રેરણા આપી છે.
[સી] રાજયોગ અંગે થોડું વધારે વિગતે વાત કરીએ તો આપણી 'સ્વ' ની ઓળખમાં મોટામાં મોટું નડતર આપણું મન છે. આપણું મન ખુબ વ્યસ્ત છે. મોહ, માયા, વિચારો, લાગણીઓ વગેરેને કારણે એ ખુબ ભરેલું રહે છે જે દુઃખનું કારણ બને છે.
પતાંજલિ અષ્ટાંગ યોગને આચરણ માં મુકવાથી તમને જ્ઞાનયુક્ત ચેતનાનો અનુભવ થશે જેને 'સમાધિ' કહેવામાં આવે છે. સમાધિ અવસ્થામાં તમને તમારા સાચા સ્વ ની ઓળખ થાય છે.
આ અષ્ટાંગ યોગના આઠ રસ્તાઓ અથવા આઠ અંગ નીચે મુજબ છે:
૧. યમ
૨. નિયમ
૩. આસન
૪. પ્રાણાયામ
૫. પ્રત્યાહાર
૬. ધારણ
૭. ધ્યાન
૮. સમાધિ
આજે સમયના અભાવ અને અન્ય પ્રભાવને વશ આ લેખ અહીં જ પૂર્ણ કરું છું. અને બીજા ભાગમાં રાજ યોગના આધ્યાત્મિક આચરણની વધુ ઊંડી ચર્ચા કરીશું.
|જય શ્રી રામ|
|જય માં ખોડિયાર|